Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 82

પોતાના પરિણામોનું (ચાલતાં પરિણામોનું) નિષ્પક્ષપાતપણે અવલોકન કરવું એટલે વિભાવભાવ જણાય એને માત્ર જોવાં - વિચાર ન કરવો. શુભભાવ આવે તો જોવું, ઠીક ન માનવું. ખેંચાવું નહિ કે ખેદાવું પણ નહિ, (તટસ્થ) રહેવું. પક્ષ વગરનાં થાવું. દૉષ જણાય તો એને કાઢવાની/હટાવવાની કોશિશ ન કરવી. શુભાશુભ પરિણામ તો થાશે. છતાં એને માત્ર જોવાનો પુરૂષાર્થ ચાલુ રાખવો. પરંતુ દોષ જલ્દી ટળે તે અર્થે ઉધામા ન કરવા - જલ્દબાજી ન કરવી - કારણ કે દોષ પર્યાયમાં છે અને પર્યાય પરિણમનશીલ છે. કૂટસ્થ નથી. અવલોકન ચાલુ રાખવાનો પુરૂષાર્થ કરતાં દોષ સ્વયમેવ ટળી જાશે.

ચાલતાં પરિણામોનાં અવલોકનથી દોષ જણાય ત્યારે દોષ ટાળવાનો કર્તૃત્વબુધ્ધિથી ઉદ્યમ કરવામાં આવે તો …………
(૧) અવલોકનની ધારા તૂટે.
(૨) દોષ પર્યાયમાં એક સમયનો હોવા છતાં દોષ મારામાં (વસ્તુમાં) થયો એમ ઊંધી માન્યતા વધારે દ્રઢ થાય.
(૩) કૃત્રિમ ખોટાં પ્રયત્નથી વીધિની ભૂલ થતાં દર્શનમોહ વધવા લાગે.
(૪) જ્ઞાન નિર્મળ થવાને બદલે આવરણયુક્ત વિવેકશૂન્ય થાય.
(૫) કૃત્રિમ પ્રયાસ સફળ ન થતાં - દોષોનો નાશ ન થતાં - હેતુ પાર ન પડતા - વધારે આકુળતા ઉપજે.

માટે દોષ કાઢવાને બદલે દોષોને સમ્યક્ પ્રકારે અવલોકવા એજ એકમાત્ર ઉપાય છે. દોષો પર્યાયમાં છે. અને એક પણ પર્યાયને આઘી પાછી કરી શકાતી નથી એવો જ વસ્તુસ્વભાવ છે. દોષ પણ એનાં ષટકારકથી એ કાળે સ્વયં ઉભો થયો છે. આમ યથાર્થ સમજી દોષ/પર્યાય ઉપરથી નજર હટાવી ત્રિકાળ જ્ઞાયકસ્વભાવ, જ્ઞાન સામાન્ય-ઉપર નજર ટકાવવી એ જ દોષથી બચવાનો એકમાત્ર ઉપાય છે.

મુમુક્ષુ અવલોકનમાં દોષોને જોયાં જ કરે પરંતુ અવલોકન ધારાથી હટીને દોષોને કાઢવાનો/હટાવવાનો કૃત્રિમ પ્રયાસ ન કરે તેથી ઘણાંને એમ લાગે કે પરિણામમાં પ્રમાદ-સ્વચ્છંદ આદિ દુર્ગુણો વધીને નિશ્ચયાભાસ થઇ ગયો છે. પરંતુ વાસ્તવમાં એ નિશ્ચયાભાસ નથી. નિશ્ચયાભાસી તો અશુભમાં દુઃખ ન લાગે. ઉલટાનો રંજાયમાન થાય અને માત્ર વિકલ્પ - ધારણમાં ‘હું ત્રિકાળી ધ્રુવ છું’ એવું રટણ હોય જયારે જ્ઞાનદશામાં કે જ્ઞાનાભ્યાસમાં તો જેમ દોષને હટાવવાનો પ્રયત્ન નથી તેમ દોષનો આદરભાવ પણ નથી. જ્ઞાનાભ્યાસ તેમજ દ્રવ્યદૃષ્ટિમાં સમ્યક્ પુરૂષાર્થ છુપાયેલો છે તેથી સહજપણે દોષનો આદર કે તિરસ્કાર નથી. માત્ર ભિન્નપણે દોષનું અવલોકન છે. પૂ. સોગાનીજી તો ફરમાવે છે કે એક દફે તો નિશ્ચયાભાસી હોને કા ડર ફેંક દો! અહો! કેવા પુરૂષાર્થપ્રેરક રહસ્યમય બિન્દાસ્ત વચની!

શાસ્ત્રાભ્યાસ, શ્રવણ, ચિંતન, મનન, સત્સંગાદિ સર્વથી અવલોકન શ્રેષ્ઠ છે. અવલોકન તો ચૈતન્ય તરફ વાળવાનો/ઝુકવાનો પ્રયત્ન છે (પૂ. બહેનશ્રીનાં વચનામૃત ૧૮૪) જ્યારે વિવિધ શુભભાવો તો પરમાર્થે કોલાહલ છે. એમાં પરાધીનતા છે. જ્યારે અવલોકનમાં સ્વાધીનતા છે. અવલોકનમાં નિરાલંબન ભાવ છે. પોતાની જાત કેળવણી થઇ અનુભવપદ્ધતિમાં પ્રવેશ છે. સત્સંગ શાસ્ત્રાભ્યાસદિથી તો બુધ્ધિમાં જાણપણું વધે અને જ્ઞાનાવરણાદિનો ક્ષયોપશમ થાય છે જ્યારે અવલોકનથી, અનુભવ પ્રયોગપધ્ધતિથી યર્થાથપણે મોહ મંદ થતાં દર્શનમોહનીયનો ક્ષયોપશમ થાય છે અને જ્ઞાન નિર્મળ આવરણ રહિત થાય છે. જ્ઞાન (જાણકારી) કેટલું વધ્યું તે પ્રાયોનજનભૂત નથી પરંતુ કેટલું મોહવારણ છે. ૯ પૂર્વ ૧૧ અંગના પાઠીને જ્ઞાન (જાણકારી) વધારે છતાં અંતર અવલોકન/અનુભવ દૃષ્ટિનાં અભાવે જ્ઞાન મોહથી આચ્છદિત રહી શકે છે. દર્શનમોહથી રહિત થયા વિના ભવભ્રમણનો નિવેડો નથી અને અવલોકન/ભેદજ્ઞાન વિના દર્શનમોહથી રહિત થઇ શકાતું નથી.

No English rendering yet.