પ્રારંભમાં અવલોકનમાં શુભ અશુભ ભાવો જણાય છે. મોક્ષનાં ધ્યેયવાળો જીવ અશુભ ભાવો જોઈને ખેદનાં પરિણામો કરે છે ત્યારે અવલોકનમાં રૂકાવટ આવે છે. તેમજ શુભ પરિણામો જોઈને સંતોષનાં પરિણામો કરે છે ત્યારે પણ અવલોકન થાતું નથી. તેથી ચાલતાં પરીણામોમાં ગમે તેવા પરિણામો સહજપણે થાય ત્યારે માત્ર જોયા જ કરવું, પરંતુ હર્ષ - શોકનાં પરિણામો કે કોઈપણ જાતનાં નિર્ણયો ન કરવા. મુક્ત થવાની ભાવના છતાં વર્તમાન પ્રત્યેક ક્ષણે જીવ આત્મહિતની ચિંતાને બદલે સંયોગોની જ ચિંતામાં સમય વેડફે છે એંવું અવલોકનથી સમજાશે ત્યારે પશ્ચાતાપ - ભય - ચિંતા - ખેદનાં પરિણામો સહજપણે ઉત્પન્ન થાશે. પોતાની દશાની પામરતાનો અનુભવ થઇ વેદના જન્મશે ત્યારે વેદનાને રોકવાનો કોઈ પ્રયત્ન ન કરવો. પરંતુ વેદનાનું પણ અવલોકન કર્યા કરવું. માંથુ ફાટી જાય, ઊંઘ ઉડી જાય, પાગલપણાં જેવી અવસ્થા થાય તો પણ અવલોકન ચાલુ રાખવું. પરંતુ ગભરાઈને મૂંઝવણ/વેદના રોકાય એવો પ્રયત્ન ન કરવો. અન્યનો સહારો ન લેવો કે જેથી વેદનાનો વેગ ઘટી જાય. સત્સંગ પણ વેદના પ્રેરક હોય તો જ કરવો. કૃત્રિમ ઉપાયો ન કરવા. જીવ વેદનાને અવલોકન કરતાં કરતાં વેદશે તો અંદરથી જ સૂઝ આવશે કારણ કે જીવ સ્વભાવે સુખ સ્વભાવી છે. દુઃખને મટાડવા બાહ્ય પદાર્થોનો આધાર લેવાની મૂર્ખતા ન કરેતો અંદર આત્માથી જ દુઃખના ઉપાયની અંતરસૂઝ પ્રકટ્યા વિના રહેશે નહિ. આવી વેદના જ્ઞાનને નિર્મળ કરે છે, મોહને મંદ કરે છે તેથી અંદરથી જ માર્ગ મળશે. નિર્મોહી દશામાં જ અંદરથી માર્ગ મળે અથવા જ્ઞાનીપુરરૂષ ઓળખાય. એને જ વીતરાગીવાણીનો આશય સમજાય માટે અવલોકનથી ઉત્પન્ન સહજ વેદના જ મુમુક્ષતાં ઉત્પન્ન કરી શકે છે.
No English rendering yet.