જૈન ધર્મ અનેકાંતસ્વરૂપ છે. તેમજ જિનવચન પણ સ્યાદવાદમયી છે. સત્સંગ અમૃત છે એવું બધા જ્ઞાનીઓ પોકારી ગયાં છે પરંતુ એ વચન પણ એકાંત નથી. સત્સંગ અમૃત છે પરંતુ અસંગના લક્ષે થયેલો સત્સંગ જ અમૃત છે અથવા જીવ શુધ્ધ અંતઃકરણથી આત્મશાંતિ - આત્મદર્શન ચાહે તો જ સત્સંગથી લાભ થાય.
સત્સંગમાં લાભબુધ્ધિ હશે તો અંતર્મુખ થવાનો પ્રયત્ન નહી થાય. જે સત્સંગમાં સત્સંગથી પણ વિશેષ આત્મસ્વભાવનો મહિમા થાય અને એક માત્ર અંતર્મુખતાનો ઉપાય દર્શાવાય, બાહ્ય આલંબનો ત્યાગી એકમાત્ર જ્ઞાન - ઉપયોગને જ સાધન બનાવવાની કળા દર્શાવવામાં આવે તે જ સત્સંગ જીવને ઉપકારી છે.
આત્મ સાક્ષાત્કારનાં હેતુ વિનાનો સત્સંગ આત્મશાંતિને બાધક છે. છેતરપિંડી છે. સંસારના દુઃખી જીવોનું શોષણ કરવાનું માધ્યમ છે. શિષ્યોને ગુરૂની ગુલામીમાં જકડાવનાર છે. ગુરૂને માટે ધર્મના અંચળા નીચે પોતાની વિષયવાસનાઓને પોષવાનું માધ્યમ છે. આવા સત્સંગની ઉપાસના જિનમાર્ગથી વિરુધ્ધ છે. અનંતજ્ઞાનીઓની વિરાધના કરનારા તીવ્ર દર્શનમોહ ઉત્પાદક છે.
જે સત્સંગમાં આત્મસ્વભાવથી વિશેષ સદગુરૂની મહિમા કરવામાં આવે તે સત્સંગ અમૃત નથી પરંતુ અમૃતનાં લેબાશ (વેશ)માં સાક્ષાત ઝેર છે. આવો સત્સંગ જીવને ગુરૂનાં ગુલામ બનાવશે, મુક્તિ નહિ અપાવે.
જ્ઞાનદશાને પ્રાપ્ત જીવ એની પુર્વભુમિકામાં સંસારથી ખરેખરો થાકેલો જ હોય છે. તેને પૂર્ણતાનું જ ધ્યેય હોય છે. તે અર્થે નિરંતર જાગૃતિ અને ભેદજ્ઞાનનો એનો પ્રયત્ન હોય છે આમ છતાં સમ્યકત્વ પૂર્વેની કોઈ પણ ભૂમિકાને સાધવાની કોશિશ કરવામાં આવે તો પર્યાયદૃષ્ટિ થયા વિના રહેશે નહિ. જે સત્સંગમાં દ્રવ્યદૃષ્ટિની મહિમા ન થાય અને સમ્યકત્વપૂર્વેની પાત્રતા કેળવવા ઉપર અત્યંત વજન દેવામાં આવે તેવો સત્સંગ આત્મહિતકારી નહિ બલ્કે આત્મઘાતી છે કારણ કે જિનમાર્ગમાં તો પર્યાય અંગ માત્ર જ્ઞાનનું જ્ઞેય છે, સાધ્ય નથી. કેવળજ્ઞાનની પર્યાય પણ સાધ્ય નથી. અવલંબન તો માત્ર ત્રિકાળી ધ્રુવ નિજપરમાત્માંનું જ લેવાનું છે. સ્વભાવને સાધતાં અથવા સ્વભાવને અંતઃકરણથી ભાવતાં - ચાહતાં સહેજે પર્યાયનો ક્રમ ગોઠવાઈ જશે.
પાત્રાંક ૬૦૯ માં કૃપાળુદેવ અસંગના લક્ષે સત્સંગની ઉપાસના કરવાનું ફરમાવે છે તેમ ચેતવણી પણ આપે છે કે પૂર્વે અનંતવાર સત્સંગ મળવા છતાં તે સત્સંગ ફળવાન થયો નથી. તેના કારણો પણ દર્શાવ્યાં છે કે જે દોષો આત્મકલ્યાણની ભાવનાવાળાને હોય જ નહિ.
યથાર્થ સત્સંગમાં તો સાધર્મિઓ આપસમાં લડતાં - ઝગડતાં નથી. ઓછી યોગ્યતાવાળા જીવોની હાંસી ઉડાવતાં નથી. મન, વચન, કાયાથી પણ સધર્મીને દુઃખ પહોંચે એવું એકેય કૃત્ય કરતાં નથી. જુથવાદ - ગૃપીઝમ બનાવતાં નથી. સ્વયંના દોષોને છુપાવતાં નથી. પરસ્પર માન ઘવાય એવું વચન - ઠઠ્ઠા મશ્કરી વગેરે કરતાં નથી. પરંતુ પરસ્પર આત્મીયતા - ધાર્મિકભાવના - ભક્તિભાવ વધે - વીતરાગમાર્ગની દુર્લભતા જોઈ એની પ્રભાવના વધે એવો પ્રયત્ન કરે છે.
કૃપાળુદેવ પત્રાંક ૧૦૮માં જણાવે છે કે તારા નિમિતે પણ અન્યને દોષ કરતો ભૂલાવ.
જે સત્સંગમાં પરસ્પર વાતચીત કરવાની પણ સાધર્મીઓમાં આત્મીયતા ન હોય તે સત્સંગ વીતરાગતાથી ઉપાસનાને બદલે રાગદ્વેષનો જ ઉત્પાદક થયો.
જે સત્સંગમાં ભક્તિ પણ વ્યક્તિગતરીતે એકાંતમાં થાય તે સત્સંગમાં સરળતા ક્યાં? મયાચારી કેમ?..... (અપૂર્ણ)
No English rendering yet.