સાથે વિકલ્પ હોવા છતાં અવલોકન પ્રક્રિયા જ મુમુક્ષુતામાં પ્રવેશ કરાવે છે. માર્ગ શરૂઆતથી જ અનુભવ પ્રધાન છે. વિકલ્પમાં અનુભવ થવાની સમર્થતા નથી કારણ કે એમાં મન નિમિત્ત છે. વિકલ્પ આત્માની સ્વાભાવિક ક્રિયા (પરિણમન) નથી જયારે જ્ઞાન આત્માની શક્તિ હોવાથી અવલોકન જ સમ્યક્ પુરૂષાર્થ છે. વિકલ્પોથી થાકી જવાય છે કારણ કે ત્યાં સહજતા નથી. જયારે જાણતાં - જાણતાં થાક લાગતો નથી. જાણવું, અવલોકવું એ જીવની સ્વાભાવિક પ્રક્રિયા છે. વિકલ્પમાં પરોક્ષતા છે, અવલોકનમાં પ્રત્યક્ષતા છે. વિકલ્પ મનની અપેક્ષા સહીત છે. અવલોકન નિરપેક્ષ છે. વિકલ્પ કૃતિમ પ્રયાસ છે, અવલોકન સહજ પ્રયાસ છે. વિકલ્પ પ્રગતિ રોધક છે, અવલોકન પ્રગતિ (વિકાસ) સાધે છે. વિકલ્પ વેદન રોધક છે, અવલોકન વેદન પ્રગટાવે છે. વિકલ્પ બંધનું કારણ છે, અવલોકન મોક્ષનું કારણ છે. વિકલ્પ આકુળતાજન્ય છે, અવલોકન નિરાકુળ છે. વિકલ્પ થાક લાવે છે, અવલોકન થાક ભગાડે છે. વિકલ્પ ભ્રમિત કરે છે, અવલોકન ભ્રમ દૂર કરે છે. વિકલ્પ કલ્પનાયુક્ત છે, અવલોકન વાસ્તવિકતા છે. વિકલ્પ વિભાવ સાધક છે, અવલોકન સ્વભાવ સાધક છે. વિકલ્પ બેહોશી છે, અવલોકન સભાનતા છે. વિકલ્પ સમાધાનકારી નથી, અવલોકન સમાધાનકારી છે. વિકલ્પ પરાધીન છે, અવલોકન સ્વતંત્ર છે. વિકલ્પ અંતરસુઝ રોકે છે, અવલોકનથી અંતરસુઝ આવે છે. વિકલ્પ વેદનાને રાકે છે, અવલોકન વેદાનાનું બળ છે. વિકલ્પ ત્રુટક ત્રુટક છે, અવલોકન અખંડ રહી શકે છે, વિકલ્પ જડ છે, અવલોકન ચેતન છે. વિકલ્પ નિરર્થક છે, અવલોકન સાર્થક (પ્રયોજન સાધે) છે. વિકલ્પ પુરૂષાર્થ રોધક છે, અવલોકન વીર્ય ઉછાળે છે. વિકલ્પ કર્તૃત્વ ભાવ છે, અવલોકન જ્ઞાતાભાવ છે. વિકલ્પ જ્ઞાનને મલીન કરે છે, અવલોકન નિર્મળતા લાવે છે. વિકલ્પ મોહ છેદક નથી, અવલોકન મોહને ગાળે છે.
No English rendering yet.