અજ્ઞાનીને સંસારસમુદ્રામાં તરતાં આવડતું નથી ને તરવું પણ નથી જયારે મુમુક્ષુને તરતાં આવડતું નથી ને ડૂબવું નથી. તેથી મુમુક્ષુને ઘણી મૂંઝવણ થાય છે. મૂંઝવણ અજ્ઞાનીને નથી થતી કારણ કે પોતે સ્વયં સંસારને રાજીખુશીથી ઉપાસે છે. મૂંઝવણ જ્ઞાનીને નથી થતી કારણ કે હજી કેટલાંક ભવો બાકી હોવા છતાં જળમાં કમળની પેઠે સંસારમાં રહી તરતાં આવડે છે. મૂંઝવણ મુમુક્ષુને થાય છે. સર્વ પ્રકારની મોહાસક્તિથી મૂંઝાઈ એકમાત્ર મોક્ષને માટે પ્રયત્નશીલ જીવ જ મુમુક્ષુ છે. યથાર્થ પણે દર્શનમોહ ગળવા સાથે આ મૂંઝવણ ને સીધો સંબંધ છે. જે દર્શનમોહની શક્તિને ૧૧ અંગ અને ૯ પૂર્વનું ક્ષયોપશમ તેમજ પંચમહાવૃતને ૨૮ મૂળગુણનું ચારિત્ર (મંદકષાય) ન ગાળી શકે તેને આ મૂંઝવણ ગાળી દે છે. મૂંઝવણ વધે તેમ દર્શનમોહ ગળે ને જ્ઞાન નિર્મળ થાય અને મોક્ષમાર્ગે કેમ વધવું તે અંદરનો પોતાનો ઘણી ચૈતન્યદેવ પરમગુરૂ સ્વયઁ સુઝાડે છે. અંદરની સૂઝ સાથે જ્ઞાનીનાં વચનો અને પરમાગમોનાં કથનો મેળ ખાય છે. તેથી મુમુક્ષુને હીંમત - પ્રેરણા મળે છે. સંવેગ આવે છે. ઉત્સાહ વધે છે. આમ ઉપાદાનમાં પાત્રતા થતાં જીવ પાછું વાળી જોતો નથી. અલ્પસમયમાં જ એને સ્વાનુભૂતિ થઇ જાય છે.
No English rendering yet.