શ્રીગુરૂએ અવલોકન - ચાલતાં પરિણામોને જોવાનું તપાસવાનું કાર્ય સોંપ્યું. પરંતુ, અનાદિથી કર્તૃત્વભાવથી ટેવાયેલો જીવ યથાર્થ અવલોકન કરી શકતો નથી. અવલોકન ધારાવાહી ચાલતું નથી, તરત છૂટી જાય છે, અથવા વિચારમાં ચડી જવાય છે. દોષ દેખાતા ગભરાટમાં આવી જઈ કાં તો પશ્ચાતાપ થઇ જાય અને અવલોકન છૂટી જાય અથવા તો બીજીવાર દોષ નહિ કરવા માટે ભવિષ્યની યોજના ઘડતાં અવલોકન છૂટી જાય. વિભાવભાવોની કર્તાબુધ્ધિથી ઘણી મજુરી કરી છે. તેથી અવલોકન પ્રક્રિયા ચાલે તો કાઈં કર્યું એવું ન લાગે; નવરાશ લાગે. અવલોકનથી મંજિલે પહોંચશે કે કેમ એવી શંકાઓ ઉઠે સંતોષ ન થાય. અધીરાઈથી અવલોકન તૂટે. ‘ કરું, કરું ’ ની આદત - મોહ - અન્ય પદાર્થોની અપેક્ષા (કે ઉપેક્ષા) અવલોકન ચાલવા ન દે. અવલોકનનું સોંપેલું કાર્ય તો કરે નહિ અને પૂછે કે હવે શું કરું? અવલોકન - માત્ર - જોવું તે શું ક્રિયા નથી? કેમ કૃત્ય કરવાની વૃત્તિઓ ઉઠે છે? અવલોકનની પ્રક્રિયા હજી સમજાણી નથી તેથી તેમ થાય છે.
No English rendering yet.