જ્યાં સુધી ભાવભાસન ન થાય ત્યાં સુધી સ્વસંવેદનની સહજતા સમજાતી નથી અને સ્વરૂપ અંશે પણ પ્રગટ અનુભવાતું નથી. તેથી અંતર્મુખતાનો કૃત્રિમ પ્રયાસ - ભેદજ્ઞાન પૂર્વક ચાલે છે તેમાં થાક લાગે છે અને ઘણી મહેનત છતાં સ્વરૂપ નહીં અનુભવાતા ઘણી વેદના ઉપજે છે. માર્ગ કપરો લાગે છે, વિકલ્પોનો પણ ત્રાસ છૂટે છે. હાજી પર્યાય બુધ્ધિ છે.
પરંતુ ભાવભાસન પછી પરિસ્થિતિ સમૂળી બદલાઈ જાય છે. સહજ પુરૂષાર્થની વીધિ વેદનથી સમજાય છે ત્યાં નિજ પરમાત્માનો અત્યંત મહિમા ઉમટે છે અને એને જ જોતા રહીયે તે માટેનો પુરૂષાર્થ પણ થાય છે. પણ ભાવભાસનમાં મૂંઝવણનો અભાવ - સ્વરૂપ પ્રાપ્તિ થશે જ એવો પોતાનો પોતાથી ઉપજેલો વિશ્વાસ હોવાથી વેદનાની તીવ્રતા હોતી નથી. વિકલ્પ ગૌણ કરવાનો પ્રયાસ અને સ્વરૂપની મુખ્યતા પ્રત્યક્ષપણે ભાવવામાં આવે છે. થાક લાગતો નથી કેમ કે સ્વરૂપ અંશે પ્રત્યક્ષ હોવાથી -અનંતનિધાન મારામાં ભરેલો છે-એની મહિમાને લીધે સ્વરૂપરસ ઉમટી પડયો છે. રૂચિ અનન્ય થઇ છે. પુરૂષાર્થ વેગ ધારણ કરે છે. છતાં ક્યારેક ઘણી મહેનત થવા છતાં નિરાશા સાંપડે છે. આમ વારંવાર થતાં પર્યાય - પરિણામની વિચિત્રતા અનુભવાય છે અને પર્યાયની ઉપેક્ષા - અપેક્ષા - છૂટી સ્વરૂપમહિમામાં રહેવાની અંતરસૂઝ પ્રગટે છે. ઉગ્ર પ્રયાસ ચાલે છે-છતાં ત્યાં હજી નિર્વિકલ્પ સ્વાનુભવ નહી થવાને લીધે તેમજ વેદન વધુવાર અને સર્વાંગે ઉપજતું ન હોવાને લીધે મૂંઝવણ છે. વારંવાર અભ્યાસ દ્વારા ભાવભાસનનું વેદન વૃધ્ધિગત પામે છે અને સ્વરૂપમહિમા અત્યંત વધે છે. વારંવાર પ્રયાસપૂર્વક ધ્યાનમાં બેસાય છે ત્યારે એક ધન્ય ઘડીએ તમામ આત્મપ્રદેશમાં આનંદ સહીત સ્વસંવેદન પ્રગટે છે અને સામાન્ય સ્વરૂપ ત્રિકાળી ધ્રુવ સ્વભાવનું અસ્તિત્વ વેદનપૂર્વક પકડાય છે. આ પૂર્વે અંતર્મુખ અભ્યાસમાં વેદન વધતું હતું. લગભગ સંપૂર્ણ આત્મપ્રદેશોમાં વર્તતું જણાતું હતું છતાં અંશે અધુરાશ હતી તેથી સંપૂર્ણ નિર્વિકલ્પતા નહોતી. પરંતુ સ્વરૂપની દૃષ્ટિ થતાં હવે વારંવાર ધ્યાનમાં બેસવાની ઈચ્છા થતી બંધ થઇ. તમામ પર્યાયોની ઉપેક્ષા ઉપજી. મોક્ષની પણ જરૂરત નથી એવો શક્તિમય અનુભવ થયો. પરની આધારબુધ્ધિ છૂટી. વિશ્વ ઉપર પોતાને તરતો ભાળ્યો. ચિંતા - ભય - આકૂળતા - દીનતા છૂટી. સદગુરૂનાં વચનોના શ્રવણનો રસ છૂટી ગયો. ભાવભાસન પછી જે અંતર્મુખ પ્રયાસ હતો તે છૂટી ગયો. તેથી પર્યાયમાં પ્રમાદ જણાયો; છતાં ભય ન ઉપજ્યો, નુકશાન ન ભાસ્યું, કેમ કે મારું અસ્તિત્વ જેવું ને તેવું મહિમાવંત છે; એને આંચ આવી શકે નહિ. કર્તૃત્વભુધ્ધિ છૂટી, મૂંઝવણ ટળી, નિર્ભયતા પ્રગટી.
No English rendering yet.