અવલોકનનાં પ્રયોગોથી વિભાવભાવોમાં અત્યંત દુઃખ લાગે ત્યારે એ દુઃખ અકથ્ય હોય છે કારણ કે સંસારમાં ફસાવું નથી છતાં ફસાઈ જવાય છે. અને મુક્તિનાં માર્ગમાં આગળ વધવું છે છતાં અવલોકન વારંવાર તૂટી જાય છે. તેથી એટલું દુઃખ અનુભવાય છે કે સહીપણ ન શકાય અને કહી પણ ન શકાય કારણ કે જગતનાં જીવોને આવી પરિસ્થિતિનો અનુભવ નથી તેથી કહીને પણ શો ફાયદો? આવી પરિસ્થિતિમાં અંતરઆત્મા પ્રત્યક્ષ સત્પુરૂષને પોકારે છે કારણ કે સદગુરૂ વિના આવા દુઃખથી કોણ છોડાવી શકશે? તેથી ભક્તિ - શરણભાવ - સર્વ જીવો પ્રત્યે દાસત્વભાવ પરેચ્છાનુચારી પણું વગેરે સહેજે આવે છે.
ભકતવાન જીવને કઠણાઈ (મૂંઝવણ) ન હોય એવું બને જ નહિ. સુખમાં કોઈને રામ સાંભરે જ નહિ. દુઃખી હોય તે જ સદગુરૂનાં શરણમાં જાય અને તો જ ભક્તિ હોય. આ મૂંઝવણ (કઠણાઈ) ચાલતાં પરિણામોમાં વિભાવભવનાં નિરક્ષણ વિના આવે જ નહિ. આ મૂંઝવણ સાંસારીક સંયોગોની અનુકૂળતાની અપેક્ષા વિનાની છે. સંસાર રૂચતો નથી છતાં એવા ભાવો થયાં કરે છે અને આત્મા ગમે છે પણ તેના દર્શનનો વિયોગ છે તેથી આવી મુંઝવણ ઉત્પન્ન થઇ છે. આવી મુંઝવણ અનુભવનાર સાંસારીક અનુકૂળતા ચાહતો નથી પરંતુ આત્માને ચાહે છે. શાંતિને ઝંખે છે તેથી સાંસારીક ચાહનાનો નાશ કરવાવાળી સહજ ભક્તિ આવા જીવને ઉત્પન્ન થાય છે. જે ભક્તિ સંસારિક અપેક્ષાઓથી સર્વથા મુક્ત ન કરાવે અને શાંતિના માર્ગે ન ચડાવે એ ભક્તિ જ નથી.
પ્રથમ ભક્તિ સત્પુરૂષ પ્રત્યે આવે છે કારણ કે ઉત્પન્ન મુંઝવણથી મુક્ત થવાનો ઉપાય પોતે તો જાણતો નથી અને સત્પુરૂષ જાણે છે. ત્યારબાદ સત્પુરૂષની આજ્ઞાથી પરાભક્તિમાં પ્રવેશ થઇ પોતાના આત્માની મહિમા (ભક્તિ) આવે છે ત્યારે પરિણામ-સૂક્ષ્મ અનુભવદૃષ્ટિથી જ્ઞાન સામાન્યમાં લીન થઇ સ્વાનુભવદશા પ્રગટ કરે છે. આમ ભક્તિ સંસારથી છોડાવે છે.
No English rendering yet.