Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 23

આત્માનુભવ થયા વિના કાષાયભાવો ગમે તેટલી હદે મંદ થયેલાં દેખાય છતાં એમાં અનંતાનુબંધિપણું ગર્ભિત છે જ. દા. ત. રાત્રિભોજનના ત્યાગનો નિયમ લીધાં પછી ક્રિયાથીભોજન ન લેવાય અને મનમાં ભાવ પણ ન આવે છતાં બીજાને દવા કે પાણી પીવડાવે તો ય નિયમ તૂટે. વળી કદાચિત્ પોતે ન પીવડાવે પણ અન્ય પીવે અને એને અન્ય પીવડાવે - એમાં થીકપણું આવે તો ય નિયમ ભંગ થાય, મોહના અભાવ વિના અનંતાનુબંધીની જડ જયાં કપાઈ નથી ત્યાં મન - વચન - કરવું - કરાવવું - અનુમોદવું એમ ૯ કોટીમાંથી કયાંક ને કયાંક નિયમ બંધ થવાનો જ. જ્ઞાનદશા પ્રગટ્યા પછી જ અનંતાનુબંધી કષાયનો અભાવ થાય. તેથી વિશેષ પંચમગુણસ્થાનમાં પાંચમી પડીમા ધારણ કરવા જેટલી અંતર સ્થિરતા અને બાહ્યમાં અપ્રત્યાખાન કષાયનો અભાવ થાય ત્યારે કંદમૂળાદિ અભક્ષ્યનો ૯ કોટીથી ત્યાગ હોય. એથી આગળ છઠ્ઠી પડીમાને યોગ્ય અંતરસ્થિરતા અને અપ્રત્યાખ્યાન કષાયનો એટલી માત્રામાં અભાવ થાય ત્યારે રાત્રિભોજનનો ૯ કોટિએ ત્યાગ થાય. જિનવરે ભાખેલાં પંચમહાવ્રત અને ૨૮ મુળગુણ શુધ્ધપણે પાળનાર દ્રવ્યલિંગી મુનિ પણ આત્મજ્ઞાન વિના યથાર્થપણે ચારીત્રદશાને પામતો નથી. એથી સર્વજ્ઞે અજ્ઞાનીનાં સર્વ યમનિયમ, વ્રત-તપ-જપને બાળવ્રતને બાળતપ કહ્યા છે. એનાથી અંશમાત્ર પણ દર્શનમોહ (સંસારનું બીજ) કપાતો નથી. અહો! જિનવરે પ્રકાશેલો મોક્ષમાર્ગ અલૌકિક અદભુત છે. એમણે પ્રકાશેલાં વ્યવહાર મોક્ષમાર્ગને પણ યથાર્થ રીતે અજ્ઞાની સમજતો નથી તો પછી નિશ્ચય રત્નત્રય રૂપી મોક્ષમાર્ગ તો કયાંથી સમજાય? પૂર્ણતાના લક્ષપૂર્વક યથાર્થ મુમુક્ષતા પ્રગટ્યા વિના અને પ્રત્યક્ષ સત્પુરૂષની ઓળખાણ થઇ ભક્તિ-પ્રેમરૂપ ચરણ સાનિધ્ય વિના જીવને મોક્ષમાર્ગ જ સમજાતો નથી ત્યાં પછી પરિણમન તો કયાંથી થાય? પૂ. ગુરૂદેવશ્રીએ યથાર્થ કહયું છે કે હે જીવ! ચારિત્ર કરતાં પહેલાં દર્શનશુધ્ધિનો તું ઉપાય કર.

No English rendering yet.