Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 21

“બીજું કાંઈ શોધમાં. એક સત્પુરૂષને શોધી એના ચરણ કમળમાં સર્વભાવ અર્પી દઈ વર્ત્યો જા; પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે”. કૃપાળુદેવનાં આ અતિશયભર્યા વચનોનું ગાંભિર્ય અનંત છે.
અહિં ૧) સત્પુરૂષની પરાધીનતા સ્વીકારવાનો હેતુ નથી. ૨) સત્પુરૂષનું અવલંબન વગર મોક્ષ નહિ એવો કહેવાનો હેતુ નથી. ૩) અહિં નિમિત્તાધીન દૃષ્ટિ કરાવવી નથી. ૪) અહિં સત્પુરૂષને પૂજાવાનો ભાવ નથી. ૫) અહિં સત્પુરૂષની કૃત્રિમ ભક્તિ - શુભરાગ કરાવવાનો હેતુ નથી. ૬) અહિં પરસન્મુખતા કરાવવાનો હેતુ નથી.

કોઈ પણ જ્ઞાનીનાં વચનો આત્મકલ્યાણ સધાય એવો જ આશય ધરાવે છે. ઉપરોક્ત વાચનના આશયને યથાર્થ સમજતાં સહેલાઈથી આત્માનુભૂતિ થાય છે. અનાદિથી સંસારમાં ભટકનાર મોક્ષનાં વાસ્તવિક અજાણ કોઈ પણ જીવને સહજપણે માર્ગદર્શકની જરૂર પડે છે. અંતર્મુખ થઇ આત્માનો અનુભવ કરવાની વીધિ તર્ક, અનુમાન, મનન, ચિંતન, ક્રિયાકાંડ, કાષાયની મંદતા, બુધ્ધિથી સમજાય એમ નથી, સ્વાનુભવ અતિ ગહન છે. અનાદીનાં સંસાર પરિભ્રમણનાં દુઃખોથી બચવા જીવે કઈ ક્ષણે ઉપાય નથી શોધ્યો? છતાં યથાર્થ માર્ગદર્શન વિના સુખની ઝંખનામાં જીવે જે કંઈ ફાંફાં માર્યા તેમાં સુખને બદલે દુઃખ જ હાથ આવેલ છે. આ ક્ષણભંગુર મનુષ્યભવમાં સ્વચ્છંદપણે સાચો ઉપાય ગોટાવાના પ્રયાસમાં જિંદગી બગાડવાને બદલે સાચી વીધિનાં રહસ્ય પ્રકાશક ઉપકારી સદગુરૂનું શરણ લેવામાં આવે તો કેટલો સમય બચે? કેટલી ચિંતા મટે? કેટલી અનિશ્ચિતતાનાં ભયથી મુક્તિ મળે? મોક્ષ તો નિશ્ચિત થાય જ કારણકે શ્રીગુરૂ ચરણમાં આવ્યા બાદ ઉદયવશ કે પ્રમાદવશ કાંઈ ક્ષતિ રહી જાય તો ઉપકારી ગુરૂ સમજાવીને કે વઢીને તે દોષથી મુક્ત કરવામાં નિમિત્ત બની શકે.

અરે! પોતાની મેળે ઉપાય શોધવાને બદલે આખી જિંદગી એમને એમ મૂંઝવણમાં અને સદગુરૂને ગોતવામાં પુરી થાય તોય સહજમાં સંસાર પ્રત્યે ઉદાસીનતા પૂર્વકની યથાર્થ ભાવના ટકી રહે અને એવી ભાવના ન ફળે તો ચૌદ બ્રહ્માંડને શૂન્ય થવું પડે. એવી યથાર્થ ભાવનાથી કુદરત બંધાયેલી છે. બીજા ભવે કુદરત અવશ્ય એને સત્યપુરૂષનાં સંગમાં (મહાવિદેહ ક્ષેત્રમાં) લઇ જાશે.

કૃપાળુ દેવ તો પોતાનાં અનુભવથી સાચું જ જણાવે છે કે સત્ સરળ છે, સુગમ છે, સત્ છે અને સર્વત્ર એની પ્રાપ્તિ થાય છે પણ સત્ ને બતાવનાર સત્ (સદગુરૂ) જોઈએ.

પૂ. ગુરૂદેવશ્રી કહે છે કે ‘દીવે દીવો પ્રગટે’. જયારે ઉપાદાન તૈયાર થાય તો સતપુરૂષ જેવા યથાર્થ નિમિત્ત જ હોય. નિમિત્તથી કાર્ય ન થાય એ વાત સાચી પરંતુ કાર્યની ઉત્પત્તિ સમયે પાંચ સમવાયમાં નિમિત્ત પણ હોય જ. એને ઉડાવે એને વસ્તુસ્વરૂપનું જ્ઞાન પણ યથાર્થ નથી જ.

આમ ‘બીજું કાંઈ શોધમાં’ માં વસ્તુસ્વરૂપનું યથાર્થ ચિત્રણ અને અનંતકાળથી અથડાતા, રખડતા, ભટકતા, મૂંઝાતા જીવને મુક્તિ માટેનો રામબાણ સચોટ ઈલાજ બતાવવાનો આશય છે.
પણ અરે! આ કાળમાં જીવોની આત્મભાવનામાં એટલી ખોટ છે કે જ્ઞાનીઓના અનુભવપૂર્ણ વચનોનાં આશયને સમજી શકતાં નથી! કરાળ કાળ!

No English rendering yet.