Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 125

અવલોકનનો સતત પુરૂષાર્થ કરનાર જીવને ભેદજ્ઞાનની ભૂમિકામાં પ્રવેશ કરતી વેળા એક અચિંત્ય, માત્ર અનુભવગમ્ય મુંઝવણનો સામનો કરવો પડે છે.

સમસ્યા એ છે કે આત્મસ્વરૂપની યથાર્થ મહિમા વિના સમક્તિ (સ્વરૂપ દર્શન) પ્રગટ થાતું નથી અને યથાર્થ મહિમા આત્મસ્વરૂપને દેખ્યા વિના કેવી રીતે પ્રગટે?

આવી વિચિત્ર સમસ્યાથી મુંઝાતા પાત્ર જીવને પ્રત્યક્ષ સત્પુરૂષ વિના કોઈ શરણ નથી.

પોતાને જ્ઞાનદશા ન હોવાથી પોતે બુઝાયેલા દીવા સમાન અવ્યક્ત છે જ્યારે સત્પુરુષને જ્ઞાનદશા હોવાથી તે પ્રગટ દીવારૂપ વ્યક્ત છે.

સત્પુરૂષની અંતરપરિણતી રૂપ પ્રગટ દીવાની દૃષ્ટિ ઉપરોક્ત મૂંઝવણની અસહ્ય વેદના અનુભવનાર પાત્ર જીવને જ થાય છે. જયારે સત્પુરૂષની અંતરપરિણતી જોઈ જ્ઞાનીની ઓળખાણ થાય છે ત્યારે સત્પુરૂષ સાક્ષાત્ દેહધારી પરમાત્મા - મૂર્તિમાન મોક્ષ - પણે દેખાય છે. આ દિવ્ય દર્શન દ્વારા પોતાના આત્માને જોયા વિના પણ પોતાના આત્માનો અપૂર્વ મહિમા આવે છે. કેમ કે જેવો સત્પુરુષનો આત્મા છે તેવો જ મારો સ્વભાવ છે એવું પ્રત્યક્ષ ભાસે છે. આમ આ પ્રકારે પોતાના સ્વભાવની અપૂર્વ મહિમા આવતાં જીવ અંતમુર્ખપણે સત્પુરૂષ સાથે ઐક્યભાવરૂપ પરાભક્તિમાં પ્રવેશીને ભેદજ્ઞાનનાં તબકકામાં પ્રવેશે છે ત્યાં રાગાદિ સમસ્ત જગતનાં પ્રતિબિંબોયુક્ત જ્ઞાનવિશેષને ગૌણ અને જ્ઞાન સામાન્યને મુખ્ય કરવાનો વાયરલ પુરૂષાર્થ ઉપડે છે અને જીવને પ્રત્યક્ષ અનુભવાંશે આત્મસ્વરૂપનો અપૂર્વ નિર્ણય અર્થાત્ બીજું સમક્તિ - ભાવભાસન પ્રગટે છે.

જીવ ગમે તેટલી જાગૃતિ રાખે - પુરુષાર્થ કરે તો પણ સત્પુરૂષને ઓળખ્યા વિના નિજઆત્મસ્વરૂપનાં દર્શન કરી શકતો જ નથી. તેથી જ પાત્રાંક ૨૧૩માં કૃપાળુદેવે પરોક્ષ જિનેશ્ચવરદેવ અને નિજ આત્મા (પુરાણપુરૂષ)થી પ્રત્યક્ષ સત્પુરૂષને વિશેષ ઉપકારી જાણી અપૂર્વ ભક્તિ કરી છે જે યથાર્થ છે.

વાસ્તવમાં જગત આખું અહીં જ - પ્રત્યક્ષ સત્પુરૂષની મહિમા ન કરવામાં જ ભૂલેલું છે. પ્રત્યક્ષ સત્પુરૂષની ઓળખાણ એજ સમકિતનું બીજ છે. ભવરોગનાશક એક માત્ર ઈલાજ છે. સત્પુરૂષની કૃપાદૃષ્ટિ એ જ સમ્યગ્દર્શન છે. આથી જ કૃપાળુદેવે મુમુક્ષુઓને ગેરંટી આપી છે કે ‘બીજું કંઈ શોધ મા, માત્ર સત્પુરુષને શોધી તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી વર્ત્યો જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે’. વળી તેઓશ્રી ફરમાવે છે કે ‘પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે પરંતુ તે ધ્યાવન પ્રત્યક્ષ સત્પુરૂષનાં ચરણકમળની વિનયોપાસના વિના જીવ પ્રાપ્ત કરી શકતો નથી; તે નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે’.

No English rendering yet.