વિકાસનો ક્રમ
૧) થોડું અવલોકન અને વધારે સાંસારીક પ્રપંચોમાં ફસાવું.
૨) અવલોકનમાં વધારો અને સાંસારિક પ્રપંચોમાં ફસાવાનું દુઃખ.
૩) અવલોકનમાં વિશેષ વધારો અને દેવ-ગુરૂ-શાસ્ત્ર પ્રત્યે ભક્તિ.
૪) ભેદજ્ઞાન (પરાભક્તિ)નો પ્રયાસ અને આત્માની મહિમા.
૫) ભાવભાસનપૂર્વક ધ્યાનનો પ્રયાસ અને આત્માની અત્યંત મહિમા.
૬) સ્વાનુભૂતિપૂર્વક ભેદજ્ઞાનની નિર્વિકલ્પ પરિણતિ અને મોક્ષમાર્ગમાં આપો આપ પ્રગતિ.
અવલોકન તૂટીને ફરી અવલોકન કરીએ ત્યારે બે અવલોકન વચ્ચેનાં અંતરમાં વહેલાં પ્રતિબંધો નડતાં હતાં તેને બદલે અવલોકનનો પુરૂષાર્થ વધતાં હવે બે અવલોકન વચ્ચેનું અંતર ભક્તિથી પુરાય છે, જે પરાભક્તિ (ભેદજ્ઞાન) ઉપજવાનું અનન્ય કારણ છે. ભક્તિ વિના જીવ ગમે તેટલું અવલોકન કરે, છૂટવાની ભાવના કરે છતાં તે પરાભક્તિ (ભેદજ્ઞાન)માં આવી શકતો નથી અને છૂટવાનાં માર્ગની મૂળ વીધિથી અજાણ રહી જાય છે. તેથી ભક્તિ એ સર્વોપરી પદાર્થ છે એમ પરમકૃપાળુદેવે યથાર્થ જ કહયું છે. ભક્તિ વિના મુક્તિ નથી.
પાત્ર જીવને સંપૂર્ણ નિર્દોષતા (વીતરાગતા)નું ધ્યેય (ભાવના) હોવા છતાં અવલોકનમાં દોષ જણાતા દોષને હટાવવાનો ભાવ થાય તો એનું કર્તૃત્વ (મિથ્યાત્વ) ચાલુ રહે.
દોષને હટાવવાનો ભાવ કર્તૃત્વ છે. પર્યાયબુધ્ધિ છે - મિથ્યાત્વ છે. દોષને જોતાં જ્ઞાનની હૈયાતી ગૌણ થાય તો દોષ સાથે એકત્વ છે. એકત્વ અર્થાત્ જ્ઞેયમાં રોકાણ.
મિથ્યાત્વ અને એકત્વ બન્ને દોષ છે. દોષને હટાવવાનો ભાવ જ છૂટતો ન હોય તો એકત્વ ક્યાંથી છૂટે?
સંપૂર્ણં નિર્દોષતાનું ધ્યેય ન હોય તો એકકે દોષ ટળતાં નથી પરંતુ આવું ધ્યેય હોવા છતાં દોષોને ક્રમથી ટાળવાની યથાર્થ પ્રક્રિયા માં આવવું ઘટે.
દોષ જણાય અને સહજ દુઃખ ન અનુભવાય તો સ્વચ્છંદ છે, મુમુક્ષતા જ નથી. છતાં દોષમાં એકત્વ થઇ જાય તો ખેદ રહે અને અવલોકન છૂટે તો પ્રયોગોની ભૂલ થતાં જીવ ઊંધે માર્ગે ચાલે.
પશ્ચાતાપ, ડર, ભય, ચિંતા વગેરે પરિણામો અવલોકનનાં પુરૂષાર્થપૂર્વક ઉત્પન્ન થવા ઘટે, નહિ તો પર્યાયબુધ્ધિ દૃઢ થઇ ગૃહિત મિથ્યાત્વમાં વધારો થશે. ઘણી સમતુલા રાખવાની છે.
દોષમાં સહજ દુઃખ ન લાગે તો પણ જાગૃતિ (અવલોકન) છૂટશે અને દોષમાં એકત્વ થાશે તો પણ જાગૃતિ (અવલોકન) છૂટશે.
મુમુક્ષજીવે આત્મકલ્યાણ અર્થે નિરંતર અવલોકન રાખવું ઘટે.
No English rendering yet.