ઉપશમ: કષાયોની મંદતા. તીવ્ર હર્ષ નહિ - તીવ્ર શોક નહિ; તીવ્ર રાગ નહિ, તીવ્ર દ્વેષ નહીં. દા. ત. ગુલાબજાંબુ પૂર્વે જે તીવ્ર-રસથી ખવાતાં તે હવે મંદ-રસ પૂર્વક ખવાય છે એટલે કાષાયનું ઉપશમન થયું.
વૈરાગ્ય: એટલે વિચારબળે કરીને કે હઠે કરીને ભોગોમાં ન પ્રવર્તવું. દા. ત. ગુલાબજાંબુ જોવા છતાં તેને ન ખાવા, ખાવાનો ત્યાગ કરવો.
ઉદાસીનતા: સ્વરૂપ સન્મુખતાનાં પ્રયાસમાં બાહય પ્પ્રર્વત્તિ અને એ લક્ષે થતાં શુભાશુભ ભાવો ઉપર લક્ષ જ ન જાય. દા. ત. ગુલાબજાંબુ મંદ રસે ખવાય છે કે ત્યાગપૂર્વક વૈરાગ્યથી નથી ખવાતાં તેનું ભાન ન થવું અને સ્વરૂપ સન્મુખતાના અર્થે અવલોકન કે ભેદજ્ઞાનનો પ્રયાસ ચાલવો.
મુમુક્ષુને ઉપશમ અને તેથી આગળ વધીને વૈરાગ્યનાં પરિણામો થાય પરંતુ સાચી પાત્રતા ઉદાસીનતાથી કેળવાય છે. એ અર્થે નિરંતર અવલોકનનો પ્રયોગ કરવા યોગ્ય છે. ઉપશમ અને વૈરાગ્યમાં દૃષ્ટિ જે તે પદાર્થ પ્રત્યે હોય છે જ્યારે ઉદાસિનતામાં દૃષ્ટિ નિજપરિણામો પ્રત્યે હોય છે. તેથી ઉદાસીનતા જ્ઞાતાભાવની સુયોગ્ય પૂર્વભૂમિકા છે. કૃપાળુદેવે સાચે જ કહ્યું છે.
“સુખકી સહેલી હૈ અકેલી ઉદાસીનતા,
અધ્યાત્મ કી જનની હૈ અકેલી ઉદાસીનતા”.
વર્તમાન વર્તતા શુભ કે અશુભ પરિણામોનું સતત અવલોકન અનાદીનાં મિથ્યાસંસ્કારથી દૃઢ થયેલી મોહની ગાંઠને ઢીલી પાડવાનો એકમાત્ર ઈલાજ છે. અવલોકનથી જીવને પોતાને સમજાય છે કે પોતાની રૂચિ ક્યા પદાર્થ/વ્યક્તિમાં ફસાઈ છે. પ્રતિબંધો જણાય છે. વાસ્તવિક્તા સમજાય છે. પ્રતિબંધોથી થાતું નુકસાન સમજાય છે. પોતાના ભાવોને વાસ્તુના પરિણમન સાથે કાઈં જ સંબંધ નથી એમ સમજાય છે. ભાવો કરી પોતે નિરર્થક પોતાને દુઃખી કરી રહયો છે. પોતે જાગ્રત રહે - ભિન્ન રહે તો આકૂળતાથી મુક્તિ મળી શકે એવો વિશ્વાસ આવે છે. અવલોકન કરવાથી દર્શનમોહની યથાર્થ મંદતા થતા જ્ઞાન નિર્મળ થાય છે. પોતાના સૂક્ષ્મ દોષો પણ નજરાય છે. સદગુરૂનાં વચનનો આશાય સમજાય છે. પોતાના પ્રયોજન સાથે શ્રીગુરૂનાં માર્ગદર્શનનો સીધો જ સંબંધ દેખાતાં ઉપકારી નિષ્કારણ કરૂણાશીલ શ્રીગુરૂ પ્રત્યે સહજ ભક્તિ ઉછળે છે. અવલોકનથી સંયોગોની રૂચિ છૂટી જાય છે. વૈરાગ્ય અને ઉદાસીનતા વધતી જાય છે.
No English rendering yet.