વર્તમાન પરિણામમાં વિભાવભાવોને જોવાનો - સતત જોવાનો પુરુષાર્થ અપૂર્વ છે. શુધ્ધ અંતઃકરણ વિના આવો પુરુષાર્થ ઉપડી શકતો જ નથી. જેમ જેમ અવલોકન વધે તેમ તેમ કર્તૃત્વ છૂટતાં, દર્શનમોહ ઘટતાં, આકુળતા - મોહભાવ ઘટતો જાય છે અને સહેજે ઉદાસીનતા વર્તે છે. પહેલાં અવલોકન ચાલતાં ચાલતાં વિચારે ચડી જવાતું હતું, શુભાશુભભાવોને માત્ર જોવાને બદલે તેમાં એકત્વભાવે જોડાઈ જવાતું હતું. ત્યાં હવે અવલોકનનો ગાઢ પ્રયાસ થતાં હવે અવલોકન ચાલતાં ચાલતાં અટકે છે ત્યારે શુભાશુભભાવોમાં જોડાઈ જવાને બદલે શ્રીગુરૂ પ્રત્યેનો ભક્તિભાવ સહેજે જાગે છે.
જેમ જેમ અવલોકન વધે તેમ તેમ ભક્તિની માત્રા (અંશ) વધતી જાય છે. સત્પુરૂષ દેહધારી પરમાત્મા જ ભાસે છે. અવલોકનની ધારા તૂટે તે જીવને ગમતું નથી છતાં અવલોકન તૂટે છે ત્યારે ભક્તિ ઉત્પન્ન થાય છે. ‘સત્પુરૂષ કેવીરીતે ત્રિકાળ અસંગ વર્તી શકે છે? ’ એનો મહિમા - આશ્ચર્ય ભક્તિને વધારે છે. આમ સહજપણે ઉત્પન્ન ભક્તિ દર્શનમોહને ગાળે છે અને સૂક્ષ્મ દોષને પણ જોઈ શકાય એટલું જ્ઞાન નિર્મળ થતું જાય છે.
જ્ઞાનની ઉચ્ચતમ નિર્મળતામાં શ્રીગુરૂનાં વચનનો આશય પણ સમજાય છે તેમ જ શ્રીગુરૂનાં દેહ મન, વાણી વર્તન આદિ સર્વચારિત્રમાં એકલક્ષ થઇ શ્રીગુરૂ જેને અવલંબી રહ્યાં છે તે મૂળ આત્મતત્વનું સ્વરૂપ સમજાય છે. ૧) જેવું શ્રીગુરૂનું આત્મદ્રવ્ય છે એવું જ મારું આત્મદ્રવ્ય છે. ૨) હું પણ પરમાત્મા છું ૩) શ્રીગુરૂ મને મારા પરમાત્મતત્વનું અવલંબન લેવાનું જણાવી રહ્યા છે-એવું ભક્તિથી દર્શનમોહ ઘટીને નિર્મળ થયેલાં જ્ઞાનમાં જણાય છે ત્યારે જીવ સત્પુરૂષને માત્ર જોવા/સાંભળવા અને બાહ્ય ભક્તિ કરવાને બદલે શ્રીગુરૂને પોતાના આત્મદ્રવ્યમાં સ્થાપી ઐકયભાવમાં આવી પરાભક્તિમાં ચડી જાય છે. ત્યારે ભેદજ્ઞાનનો તબક્કો શરૂ થાય છે.
આમ ૧) અવલોકન વિના/સતત જાગૃતિનાં પુરૂષાર્થ વિના આ રીતે શ્રીગુરૂ પ્રત્યે સહજ ભક્તિ ઉગતી નથી ૨) શ્રીગુરૂ પ્રત્યે સહજ ભક્તિ ઉગ્યા વિના તથારૂપ દર્શનમોહ યથાર્થરીતે ઘટીને જ્ઞાન નિર્મળ થાતું નથી. ૩) જ્ઞાન યથાર્થ નિર્મળ થયા વિના શ્રીગુરૂની અંતરપરિણતી ઓળખાઈને જીવ ઐક્યભાવમાં આવી પરાભક્તિમાં આવી શકતો નથી. ૪) પરાભક્તિ વિના જીવ સંપૂર્ણ અંતર્મુખતા વડે નિજપરમાત્મદ્રવ્યનાં આલંબનથી ભાવભાસન/સ્વાનુભવ કરી શકતો નથી.
ત્રુટક અવલોકન-પૂર્ણતાનું લક્ષ - ધારાવાહી અવલોકન - ભક્તિ - પરાભક્તિ - ભેદજ્ઞાન - ભાવભાસન - સ્વાનુભવ આ પ્રમાણેનો અજ્ઞાનીમાંથી મુમુક્ષુ બની જ્ઞાની થવાનો સ્વતંત્ર ક્રમ છે.
જ્ઞાનદશા પછી અર્થાત અનંતાનુબંધી કષાયના નાશપૂર્વક સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થયા પછી વિશેષ સ્થિરતા વધીને બે કાષાયની ચોકડીવાળી શ્રાવકદશા (પંચમ ગુણસ્થાન), ત્રણ કાષાયની ચોકડીવાળી મુનિદશા (૬ થી ૧૨ ગુણસ્થાન પર્યંત), પુર્ણવીતરાગ ઉત્કૃષ્ટ મુનિદશા (૧૨મું ગુણસ્થાન), સર્વજ્ઞ અરિહંત દશા, સર્વજ્ઞ સિધ્ધ દશા એવો જ્ઞાનદશાથી પૂર્ણ મુક્તિ પર્યન્તનો વ્યવસ્થિત ક્રમ છે.
No English rendering yet.