Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 103

ચાલતાં પરિણામોનાં અવલોકનમાં જ્યારે વર્તમાનમાં કોઈ અશુભભાવ દેખાય તો તેને રોકવાનો પ્રયત્ન શા માટે ન કરવો?

સમાધાન: ૧) જે દોષ થયો છે તે એક સમયની ભૂલ છે. બીજે સમયે તે આપોઆપ ટળી જ જાય છે તો તેને રોકવાનો પ્રશ્ન જ નથી.

૨) દરેક સમયે ફરી ભૂલ થાય છે એનું કારણ તો અવલોકન (જાગૃતિ) છૂટે છે તે છે. અવલોકન ચાલુ રહેશે તો ભૂલ નહીં થાય તેથી ભૂલને રોકવાનો પ્રયત્ન કરીને જો અવલોકન ચુકી જાય તો નવી ભૂલ થયા વિના નહીં રહે તો પછી શા માટે અવલોકન ચાલુ ન રાખવું? શા માટે ભૂલને રોકવાની કોશિશ કરી નવી ભૂલ કરવી?

૩) અશુભભાવ જો આત્મા કરતો હોય તો સ્વભાવ દોષ કરનાર હોવાથી સ્વભાવને બદલી જ ન શકાય તેથી અશુભભાવ થતાં જ રહે ને પોતાનો અશુભભાવ રોકવાનો પ્રયત્ન નિષ્ફળ જાય. પરંતુ વાસ્તવમાં આત્મા સ્વભાવથી પૂર્ણ નિર્દોષ શુભાશુભ ભાવોથી રહિત જ છે તેથી દોષને રોકવા કરતાં અવલોકન ચાલુ રાખવું જેથી જ્ઞાનબળ વધે અને નિર્મળતા - સૂક્ષ્મતાં વધતાં જ્ઞાનમાં નિર્દોષ સ્વભાવ જણાય અને દોષ સ્વયંમેવ દૂર થાય.

૪) દોષ પણ પર્યાયમાં પર્યાયનાં ષટ્ર્કારકોથી સ્વતંત્રપણે ઉત્પન્ન થયો છે. દોષ જણાતાં દુઃખ ભલે થાય પણ તેને રોકી શકાય નહીં તેને રોકવાનો ઉપાય નિર્દોષ સ્વભાવ સન્મુખ થાવું તે જ છે.

૫) દોષને કાઢવાનાં ભાવ ધરાવનાર જીવ પોતાનાં આત્માને નિર્દોષ પવિત્ર માનતો નથી તેથી પોતાનો મહિમા એને આવતો નથી. જ્યાં પોતાનાં મૂળ સ્વાભાવનો મહિમા જ ન આવે તો પોતાનાં સ્વાભાવમાં દૃષ્ટી જઈને લીનતા ક્યાંથી થાય? લીનતા વિના આનંદ ક્યાંથી મળે?

૬) દોષ કાઢવાવાળા જીવની નજર દ્રવ્ય ઉપર નથી પણ પર્યાય ઉપર છે. પર્યાય ઉપર નજર રહેવાથી અનાદિની ઊંધી પર્યાયબુધ્ધિ ચાલુ રહી દર્શનમોહ વધતો રહે છે.

૭) દોષ કાઢવાનાં ભાવમાં કર્તૃત્વભાવ છે. જયાં કર્તાબુધ્ધિ છે ત્યાં જ્ઞાતાબુધ્ધિ રહેતી નથી. જ્યાં જ્ઞાતાબુધ્ધિ ન હોય ત્યાં દુઃખ - આકૂળતા હોય જ. તેથી દોષ જણાતાં તે કાઢવાનો કૃત્રિમ જૂઠો ઉપાય કરવાને બદલે માત્ર અવલોકન (જ્ઞાતાબુધ્ધિનો અભ્યાસ) ચાલુ રાખવાથી સહેજે દુઃખથી મુક્ત થવાશે. જ્ઞાનપ્રકાશમાં દોષરરૂપી અંધકાર ન ટકી શકે એવો જ આત્મસ્વભાવ છે.

૮) જેમ અશુભભાવ થતાં કર્મ બંધાય છે તેમ અશુભભાવને રોકવાવાળો શુભભાવ થવાથી પણ કર્મ બંધાય છે. અશુભભાવથી માઠી ગતિ મળે છે. શુભભાવથી અનુકૂળતાવાળી સ્વર્ગાદિ ગતિ મળે છે પણ આખરે તો ગતિ (બંધન) જ મળે છે ને! ગતિરહિત ક્યાં થવાય છે? મુક્તિ કેવી રીતે મળશે? મુક્તિ તો ત્યારે જ મળે જ્યારે જ્ઞાતાભાવમાં રહેવાનો પુરૂષાર્થ કરતાં સહેજે શુભ કે અશુભભાવો ન થાય અને તેથી નવા કર્મો ન બંધાય - જુના કર્મો નિર્જરે અને પૂર્ણમુક્તિ થાય.

ટૂંકમાં દોષનું અવલોકન તે જ્ઞાતાભાવે રહેવાનો પુરૂષાર્થ છે. તેમજ પોતાની વર્તમાન પામરદશાનું મૂલ્યાંકન છે. દોષનાં અવલોકનથી એમ માનવાનું નથી કે હું સ્વભાવે કરી દોષી છું, તેમજ દોષને કૃત્રિમતાથી કાઢવાનો ભાવ (દોષનું એકત્વપણું) પણ રાખવાનો નથી.

In short, observing a fault is the purushartha — the self-effort — of remaining in jnata-bhaav, the disposition of the knower. It is also an honest measure of one's own present condition. Observing a fault does not mean believing “I am by nature faulty,” nor is one to hold the intent of artificially removing it, which is itself identification with the fault.

English: draft — unverified. The Gujarati is the text.